એરંડાના ફાયદાઓ અને ઉપયોગ કરવાની રીત એરંડાની રામબાણ દવાઓ

આમવાત સિવાયના વાયુના કેડના દુખાવામાં એરંડિયું ચોળી એરંડાનાં પાન પાથરી ખાટલા શેક લેવો. એરંડીના બીજમાંથી તેની જીભ કાઢી નાંખી પાંચ ગ્રામ બી પીસી, દૂધમાં ખીર કરીને સવારે કે સાંજે પીવું. વાયુથી થલેલા માથાના દુઃખાવામાં એરંડાનાં ફણાં પાન બાફીને બાંધવા. શરદીને કારણે છાતીના પડખાં વગેરેમાં દુઃખાવો થતો હોય તેમાં એરંડાનાં મૂળનો ઊકાળો કરી તેમાં જવખાર મેળવીને રોજ બે વખત પીવાનું રાખવું. એરંડાનાં કૂમળાં પાન પીસી, હળદર મેળવી ગરમ લેપ ગાલ પર કરવાથી સોજો ઊતરે છે અને દુખાવો દૂર થાય છે.

વાંસો, કેડ, પડખાં, સાંધા, હાથ-પગ વગેરેમાં સૂંઠ નાંખીને ગરમ કરેલા દિવેલની માલિશ કરી, ખાટલા પર એરંડાનાં પાન પાથરી તેમાં દર્દીને સુવરાવી બંધ ઓરડામાં અંગારાનો શેક આપવો. પેટનાં દુખાવામાં એરંડાનાં પાનને દિવેલ ચોપડી ગરમ કરી પેટે બાંધવા, કબજિયાતના કાયમી દર્દીએ એરંડાનાં પાનમાં દિવેલ ચોપડી, ગરમ કરી, પેટ ઉપર રોજ રાત્રે બાંધવાં. બાળકોની કબજિયાતમાં એરંડાનાં પાન અને ઊંદરની લીંડીનું ચૂર્ણ લીંબુના રસમાં પીસી, ગુદા અને નાભી પર ચોપડવું.

રાંઝણ-સાયેટિકાના દર્દ વખતે એરંડા પાનની પથારીમાં રોજ શેક લેવો. તેનાં બીની ખીર રોજ સવારે ખાવી. સંધિવા થયો હોય તો સાંધા ઉપર દિવેલ ચોપડેલાં પાન ગરમગરમ બાંધવા અને દિવેલ પીવું. થાકી જવાથી શરીર જકડાઈ ગયું હોય તેમાં દિવેલનાં પાન પાથરી શેક લેવો.

ગોળો ચડ્યો હોય તો ગરમ પાણીમાં દિવેલ આપવું. તેમાં થોડી હિંગ અને સંચળ મેળવવાં. એરંડી અથવા એરંડાનાં કુણાં પાનમાં મીઠું તથા હળદર મેળવી, વાટી, ગરમ કરીને બંધાણ પેટ ઊપર બાંધવું. પેટ ચડીને દુઃખાવો થતો હોય તો ઉપર પ્રમાણે પ્રયોગ કરવો. આમવાતમાં સૂંઠના ઊકાળામાં નિભ દિવેલ લેવું. એરંડાનાં પાન લસણ અને સૂંઠ સાથે પીસીને તેનો લેપ આમવાતનો દુઃખાવો કે સોજો આવ્યો હોય ત્યાં કરવો. એરંડાનાં કૂમળાં પાન દૂધમાં પીસી, કપાળે અને લમણે લેપ કરવો. પગનાં તળિયે અને માથે એરંડિયું ઘસવું.

એરંડીના બી અને હરડેની છાલ સમાન ભાગે પીસીને લેપ કરવાથી ગાંઠ બેસી જશે અને લાંબા સમયની ગાંઠ હશે તો પાકી જશે. હળદર મેળવીને એરંડાનાં કૂણાં પાન પીસી, તેનો ઉકાળો કરવો. તે દુઃખતા ભાગ ઉપર ગરમ ગરમ રેડવો. તે બાદ બાફેલાં પાનમાં હળદર મેળવી, પાટો બાંધી દેવો.

આંખો આવી હોય તો એરંડાનાં કૂમળા પાન દૂધમાં વાટી, હળદર મેળવી, ગરમ કરી, આંખો ઉપર પાટો બાંધવો. આંખો ઉપર એરંડાનાં તાજાં કૂમળાં પાન બાંધી રાખવાં. રાત્રે વધુ સણકા આવતા હોય તો બકરીના દૂધમાં પાન પકવી ગરમ ટીંપા આંખમાં નાંખવા. સ્તનરોગમાં સ્તનપાક, સ્તન સોજો અને સ્તનથૂળમાં એરંડાનાં પાન વાટીને લેપ કરવો. સોજો આવ્યો હોય તો હળદર મેળવીને એરંડાનાં પાન વાટી; તેનો ગરમલેપ લગાડવો. પ્રસૂતિ નિર્વિઘ્ને થાય તે માટે પ્રસૂતિ સમય થતાં જ એરંડમૂળનો ઉકાળો

સૂંઠ અને સુવા મેળવીને પ્રસૂતાને પીવડાવવો. કમળામાં એરંડાના મૂળનો એક ચમચી રસ ત્રણ દિવસ સુધી મધ સાથે પીવડાવવો અને તે દરમિયાન જમવામાં મીઠું નાંખ્યા વિનાના ભાત ઘી દૂધ સાથે લેવા. ઉપરાંત એરંડાનો કે તેના મૂળનો રસ કાઢી, તેમાં લીંડીપીપરનું ચૂર્ણ મેળવી, તેનાં ટીપાં નાકમાં પાડવાં. પ્રસૂતાને મક્કલશૂળ  થાય છે. તેમાં એરંડાનાં મૂળ દૂધમાં ઉકાળીને પીવડાવવાથી સુવાવડીનું શૂળ મટે છે. તાવની સાથે મરડો થયો હોય તો એરંડાનાં મૂળ દૂધમાં ઉકાળીને પીવડાવવાં.

રતાંધળાપણું હોય તો દિવેલાનાં (એરંડાનાં) કૂમળા પાન ખાવાં અથવા તે પાનનો રસ એક-એક ચમચી સવારે-રાત્રે પીવો. તાવમાં દાહ થતો હોય તો એરંડાનાં કુમળા ઠંડા પાન પથારીમાં પાથરી દર્દીને ખુલ્લા શરીરે સુવરાવવો. વધી ગયેલું પેટ ઓછું કરવા માટે એરંડાનાં મૂળને મધમાં બોળીને આખી રાત એક વાસણમાં રાખવાં. તેમાંથી જે પાણી છૂટે તે પાણી રોજ પીવાથી પેટની ફાંદ ઓગળી જશે.

શરીરનું વજન વધી ગયું હોય તો એરંડાનાં પાનનો ફાલ તૈયાર કરી એક ગ્રામ લેવો. તેમાં તેટલી જ હીંગ મેળવી ચોખાનાં ઓસામણ સાથે હંમેશાં લેવાથી મેદનો નાશ થાય છે ને શરીર સપ્રમાણ બને છે. શરીર પર જન્મથી તલ હોય તેને દૂર કરવા અરંડિયાની ડાંડલી પર થોડો કળી ચૂનો લગાડીને તલ પર ઘસવું. લોહી નીકળી જશે ને તલ ખરી જી. બરોળનો સોજો હોય તો એરંડાના પાનની પોટિસ બાંધવી. કૃમિના નાશ માટે એરંડામૂળનો રસ મધ મેળવીને પીવડાવવો. ગૂમડામાં એરંડાના મૂળનું ચૂર્ણ તલ તેલ કે ઘીમાં ગરમ કરી લેપ કરવો. ગળું પડ્યું હોય તેવા બાળકના માથે એરંડાના પાન-ઘી ચોપડીને બાંધી રાખવાં.

મળાવરોધ : કબજિયાત દૂર કરવામાં એરંડિયું રામબાણ ઈલાજ છે. રાત્રે સુતી વખતે અક ચમચી એરંડિયું પીવાથી મળ સાફ આવે છે. તેને ગરમ દૂધ અથવા કાળા પાણીમાં ભેળવી પીવાથી લાભ થાય છે. 

વાયુ : પેટમાં યુ ભરાવવાને કારણે દુઃખાવો થાય ત્યારે એરંડિયું લાભ કરે છે. ચમચી એરંડિયાને ગરમ દૂધમાં ભેળવી પીવાથી અકસીર ફાયદો કરે છે.

હરસ : હરસ બહાર નીકળી ગયા હોય તો નિયમિત એરંડિયું લગાડવાથી સૂકાઈ જાય છે. ઉપરાંત દુઃખાવામાં પણ રાહત થાય છે. કબજિયાતની તકલીફ રહેતી હોવાને કારણે પણ હરસ થવાની શક્યતા રહે છે. કબજિયાત દૂર કરવાથી હરસને કારણે મળ ત્યાગ વખતે તકલીફ થશે નહિ.

સાંધાનો સોજો : સાંધામાં સોજો આવી જાય તો એરંડાના પાન પર થોડું એરંડિયું અથવા સરસવ તેલ લગાડી ગરમ કરી સોજા પર લગાડી શકાય. ઉપરાંત સોજાના સ્થાન પર કપડું બાંધી દેવું. નિયમિત આ પ્રયોગ કરવાથી દુઃખાવામાં તથા સોજામાં રાહત મળશે.

વાયુ વિકાર : વાયુ વિકારથી થતા પેટના વિકાર, કમરના દુઃખાવામાં રાહત કરે છે. એરંડાના બિયાની પેશી ૧૦ ગ્રામ વાટી તેમાં પા લીટર દૂધ તથા તેના કરતાં અડધું પાણી તેમાં ભેળવી પાણી બળી જાય અને દૂધ રહે ત્યાં સુધી ઉકાળવું, ત્યાર બાદ તેમાં સાકર ભેળવી સાંજે પીવું. 

જખમ: માર લાગવાને કારણે ઘામાંથી રક્ત વહેતું હોય તો એરંડિયું લગાડી પાટો બાંધવાથી લાભ થાય છે. 

યોનિ ફૂલ : રૂના પૂમડાંને એરંડિયામાં પલાળી રાતના સુવાના સમયે યોનિમાં રાખવાથી શૂલમાં લાભ થાય છે. આવશ્યકતા અનુસાર થોડા દિવસ સુધી નિયમિત પ્રયોગ કરવો.

સૌંદર્યવર્ધક : એરંડિયું સૌંદર્યવર્ધક છે. તેમાં ચણાનો લોટ ભેળવી ચહેરા પર લગાડવાથી કરચલી દૂર થાય છે તથા ત્વચા ચમકીલી બને છે.

નખની સુંદરતા : એરંડિયું નખની સુંદરતા વધારવામાં સહાયક છે. એરંડિયાને હુંફાળું ગરમ કરી નિયમિત નખને થોડી મિનિટ ડુબાડી રાખવા. ત્યાર પછી એરંડિયાથી નખ પર માલિશ કરવું. હુંફાળા એરંડિયામાં રૂ ડુબાડીને પણ નખ પર રાખી શકાય. 

પાયોરિયા : એરંડિયું પાયોરિયાને દૂર કરે છે. એરંડિયામાં થોડું કપૂર મેળવી નિયમિત સવાર સાંજ પેઢા પર ઘસવાથી પાયોરિયામાં લાભ થાય છે. નેત્ર આંખમાં માટી, કચરો, ધુમાડાથી તકલીફ થાય તે સમયે એરંડિયાનું એક ટીપું આંખમાં નાંખવાથી રાહત થાય છે.

એડીની ત્વચા ફાટવી : પગની એડીની ત્વચા ફાટે ત્યારે એરંડિયું લાભ કરે છે. એરંડિયું લગાડ્યા પૂર્વે પગને ગરમ પાણીથી ધોવા અથવા તો પાંચ મિનિટ સુધી હુંફાળા પાણીમાં ડુબાડી રાખવા, ત્યાર બાદ એરંડિયું લગાડવાથી ફાયદો થાય છે.

સાપનું વિષ : પ્રાથમિક સારવાર રૂપે એરંડિયાનો ઉપયોગ કરીને વિષનો પ્રભાવ ઓછો કરી શકાય. એરંડો ૧૦ ગ્રામ તથા મરી પાંચ નંગ લઈ તેને વાટી પાણીમાં ભેળવી દર્દીને પીવડાવવાથી ઉલટી થશે અને સાપનું વિષ બહાર નીકળશે. આ રીતે વિષની અસર ઓછી થશે.

સ્તનની નીપલ ફાટે ત્યારે : સ્ત્રીઓના સ્તનની નીપલ ફાટે ત્યારે તેના પર એરંડિયું લગાડવાથી લાભ થાય છે. દિવસમાં ત્રણ-ચાર વખત લગાડવું અને આવશ્યકતા અનુસાર ત્રણ ચાર દિવસ સુધી પ્રયોગ કરી શકાય. સ્તનની નીપલ અંદરની તરફ હોય તો એરંડિયાથી માલીશ કરવાથી ફાયદો જણાશે.

Leave a Comment