સ્વસ્થ અને નિરોગી રહેવા આટલું કરો
કુદરતી વેગો ન અટકાવો :
જો તમે સદાય સ્વસ્થ - નીરોગી રહેવા ઇચ્છતા હોવ, તો તમે આરોગ્યરક્ષા નો આ નિયમ જરૂર પાળજો, ભૂખ, તરસ, ઝાડો, પેશાબ, અધોવાયુ, બગાસાં, આંસુ, છીંકો, ઓડકાર, ઊલટી, શ્વાસ ગતિ, નિદ્રા તથા વીર્યનો કુદરતી આવેગ - આટલી કુદરતી હાજતોને કદી પરાણે રોકશો નહીં. કારણ કે આવી કુદરતી હાજતો કે આવેગોને આળસ, કામ કે શરમમાં પરાણે રોકી રાખશો, તો શરીરમાં બીજા અનેક રોગો પેદા થઈ જશે અને સાજા હોવા છતાં રોગી બની જશો.
એક વાર પેદા થયેલ રોગોની સ્થિતિમાં પણ એ કુદરતી હાજતો હજી પણ રોકવાનું ચાલુ જ રાખશો, તો સાધ્ય દર્દ પણ અસાધ્ય કે કષ્ટસાધ્ય બની જશે, જેથી તમારે સ્વસ્થ થવા માટે ધન અને સમય વધુ ખર્ચવાં પડશે.
અધોવાયુ (અપાન ગૅસ) રોકવાથી ઊલટી, ગૅસ, ગભરામણ આફરો તથા છાતીમાં ભીંસ કે શૂળ જેવાં દર્દ થઈ શકે છે. ઝાડો પરાણે રોકવાથી ટેવથી - ગુદામાં શૂળ, કબજિયાત, હરસ, મસા તથા ભગંદર જેવા રોગ થઈ શકે છે. બગાસાં રોકવાની ટેવથી - ગળાનો દુખાવો કે માથાનો દુખાવો થઈ શકે છે.
પેશાબ રોકવાથી - પેઢુમાં શૂળ, પીડા, સોજા અને મૂત્રબંધ કે યોનિ અથવા લિંગમાં શૂળ થઈ શકે છે. આંસુ રોકવાથી – હૃદય, નાક અને ભ્રમ જેવા જ્ઞાનતંતુઓના દર્દો થાય છે.છીકો રોકવાથી – શરદી-સળેખમ, આંખમાં ગરમી, શિશુળ, ચહેરાનો લકવો, મન્યાસ્તંભ, આધાશીશી જેવાં દર્દ થઈ શકે છે. ઓડકાર રોકવાથી મુખ-કંઠમાં પૂરો ભરાય કે ઉબકા-દેડકી, શ્વાસ, ઊલટી જેવું થાય અને છાતીમાં પીડા થઈ શકે છે. વીર્યનો ચિલન વેગ રોકવાથી - અંડકોષોમાં પીડા, સોજો અને અંગપીડા, પથરી જેવાં દર્દ કે મૂત્રાવરોધ થઈ શકે છે.
ઊલટીના વેગને પરાણે રોકવાથી ખૂજલી, શીળસ, અરુચિ, સોજા, તાવ, કોઢ, પાંડુ તથા મોળ જેવાં દર્દી થઈ શકે છે. ભૂખના વેગને રોકવાથી કૃશતા, નિર્બળતા, વિવર્ણતા, અંગપીડા અચિ અને ભ્રમ (ચક્કર) થઈ શકે છે. તૃષા (તરસ)ના વેગને રોકવાથી મુખ તથા કંઠ સુકાવા, બહેરાશ, થાક, શિથિલતા તથા હૃદયમાં શૂળ થઈ શકે છે. ઊંઘના કુદરતી વેગને રોકવાની ટેવથી બગાસાં, અંગપીડા, તંદ્રા (આળસ), માથાનાં દર્દો, આંખ ભારે રહેવી, નેત્રદાહ તથા અણગમો થાય છે.
થાકથી ઉત્પન્ન શ્વાસને રોકવાથી ગુલ્મ (ગોળો), હૃદયરોગ તથા મૂર્છા થઈ શકે છે. આમ કુદરતી આવેગોને પરાણે રોકવાની ટેવ બીજા અનેક રોગો જન્માવનારી હોઈ, તે વેગોને કદી અટકાવવા નહીં.
આ આવેગોને જરૂર અટકાવો !
કેટલાક આવેગો ન અટકાવવા વિષે જોયું. હવે જે આવેગોને રોકવા એકંદરે હિતકર્તા છે તે જોઈએ :
સાહસ: પોતાની શક્તિથી વધુ પડતું બળનું કામ કદી ન કરો.
અપ્રશસ્ત કામ: મન, વચન અને શરીરથી જે કામોને ધર્મ અને નીતિશાસ નિંદતાં હોય તે કામો જેમ કે - ખરાબ વિચારો કરવા, બીજાને ખરાબ કહેવું તથા સમાજ જેને ખરાબ કહે છે, તેવાં કામ કદી પણ ન કરવી.
મનના ખરાબ આવેગોને રોકો: લોભ, શોક, ભય, કથા અહંકાર, નિર્લજ્જ, બીજાની ઈર્ષ્યા, કોઈ વસ્તુમાં વધુ પડતો રાગ, બીજાનો દ્રોહ, વ્યભિચાર, તથ પારકું ધન કે ચીજવસ્તુ પડાવી કે ચોરી લેવાની ભાવનાના આવેગોને જરૂર રોકવા હિતકર છે.
કટુ-અસત્ય ભાષણ: કોઈને ખૂબ કઠોર વચન કહેવાં, કે દિલને આઘાત થાય તેવા શબ્દો બોલવા, ચાડી-ચુગલી કરવી, અસત્ય વચન બોલવા, સમય જોયા વિના ગમે તેમ બોલવું - આવા આવેગોને રોકવા જ જોઈએ.
આ ઉપરાંત જે કોઈ પણ શારીરિક કાર્ય બીજાને પીડા કે દુઃખ કરે તે:- જેમ કે - પરસ્ત્રી સંભોગ, ચોરી હિંસા - મારામારી, ગુંડાગીરી, દાદાગીરી, નિર્બળની સતામણી, લાચારની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવો, રાષ્ટ્રદ્રોહનું કાર્ય, દારૂનો વેપાર, સ્ત્રીઓનો વેપાર, લાંચ-રુશવત આદિ કાર્યો કદી ન કરવાં.
ઉત્તમ વિચારો રાખો, સાદું - સાત્ત્વિક જીવન રાખો.
ન ધારણ કરવા જેવા કુદરતી આવેગો કદી પરાણે ન રોકો, આ છે - સ્વસ્થ જીવનના અનેક ઉપાયોમાંનો એક ઉપાય.
Comments
Post a Comment