સ્વસ્થ જીવનની ચાવી : શ્રમ કરો અને માંદગીમાં ઉપવાસ કરી, સ્વસ્થ થાવ
આપણા દેહને સ્વસ્થ રાખવો હોય તો ઉત્તમ આહારની સાથે શારીરિક શ્રમની સમતુલા જાળવવી ખાસ જરૂરી છે. શ્રમ-પરિશ્રમ ન કરો અને માત્ર સારો આહાર જ લો, અપરિશ્રમી-બેઠાડું જીવન જીવો, તો અનેક રોગો જેમ કે - મેદસ્વિતા, હાઈ બ્લડપ્રેશર, મધુપ્રમેહ, આમવાત, સંધિવા, જેવા તમારા શરીરમાં ઘર કરી તમને કાયમી રોગી બનાવી રાખશે.
માટે ભાવિ રોગોથી બચવા, આળસ-પ્રમાદ, મેદ અને અનુત્સાહને ભગાડવા દરરોજ તમારી ઉંમર, આવડત અને શરીરની બનાવટ ને ધ્યાનમાં લઈ, યોગ્ય શ્રમ કરો.
શ્રમ જન્માવવા અનેક ઉપાયો છે. હળવી અંગ-કસરતો, વ્યાયામ, કુસ્તી, તરવું, મેદાની રમતો - ફૂટબોલ, વૉલીબૉલ, ક્રિકેટ, હુતુતુ, બેડમિંગ્ટન, ટેબલ ટેનિસ વગેરે; યોગાસનો, દંડ બેઠક, સૂર્યનમસ્કાર, મગદળ ફેરવવા, લેઝીમ, લાઠી, ખૂબ ચાલવું, જોગિંગ, સાયકલ ચલાવવી, દોડવું, ગૃહકાર્યો, બાગકામ વગેરેમાંથી કોઈ પણ કરવાથી શરીરને જરૂરી પરિશ્રમ મળી રહેશે અને શરીર સહજભાવે સ્વસ્થ રહેશે.
વ્યાયામ કે કસરત જે કંઈ કરો, તે દરરોજ નિયમિત કરો અને તમારી શક્તિની મર્યાદામાં રહી કરો.
કોઈપણ શ્રમનું કાર્ય, તમારી ઉંમરને અનુરૂપ રહી કરો. શ્રમરહિત જીવન જ અભિશાપરૂપ અનેક રોગો શરીરમાં જન્માવે છે. તેથી શ્રમને જીવનમાં સ્થાન આપવા સ્વાવલંબી જીવન જીવો. સાદું અને ઉચ્ચ વિચારવાળું જીવન જીવો.
પરિશ્રમ જ જીવનનું અત્તર છે. તેની મહેંકથી જ જીવન બાગબાગ થાય છે કે ગુલાબની જેમ ખીલી રહે છે. શ્રમરહિત જીવન જ તન-મનને પાંગળાં બનાવી, પંગુ જીવન બનાવે છે. શ્રમ અને આહારની સમતુલા જાળવતાં જો આવડી જાય, તો આપ જરૂરથી સ્વસ્થ જીવન જીવી શકશો, એવી અમારી ગેરંટી છે.
શ્રમ જ તંદુરસ્ત જીવન જીવવાની અને શરીરની અનેક નબળાઈઓ, અશક્તિ, અસમર્થતા તથા દર્દોને હાંકી કાઢવાની જાદુઈ જડીબુટ્ટી છે. ખાતરી ન થતી હોય તો અજમાયશ ખાતર માત્ર ૧ વર્ષ શ્રમભર્યું જીવન જીવી જુઓ અને પછી કહેજો કે, હા, વૈદ્યરાજની વાત ૧૦૦ ટકા સાચી જ છે !
Comments
Post a Comment